jump to navigation

પ્રેમ એટલે કે ડિસેમ્બર 31, 2008

Posted by Mehul Shah in ગીત, મુકુલ ચોક્સી, સોલી કાપડિયા.
Tags: , , , , , , , , ,
add a comment

handmehendi

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો…!

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો…
હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી ને તે ય શ્યામવરણી.
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે
મને મૂકી આકાશને તું પરણી.
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

Advertisements

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ ડિસેમ્બર 30, 2008

Posted by Mehul Shah in ગઝલ, ભગવતીકુમાર શર્મા, સોલી કાપડિયા.
Tags: , , , , , ,
1 comment so far

rain1

હવે પહેલો વરસાદ

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, . એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો . તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ, . એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ, . એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ . એવું કાંઈ નહીં !

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

સાવ અચાનક મુશળધારે ડિસેમ્બર 28, 2008

Posted by Mehul Shah in ગીત, તુષાર શુક્લા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , , ,
add a comment
rain
સાવ અચાનક મુશળધારે
સાવ અચાનક મુશળધારે, ધોધમાર ને નવ લખધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
ગેબને આરે આવવા રે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લા

વાતને રસ્તે વળવું નથી ડિસેમ્બર 27, 2008

Posted by Mehul Shah in ગીત, જગદીશ જોષી, સોલી કાપડિયા.
Tags: , , , , , ,
add a comment

 path

વાતને રસ્તે વળવું નથી 

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોશી

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ ડિસેમ્બર 26, 2008

Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , , ,
add a comment

 rose1

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

-ભાગ્યેશ ઝા

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા ડિસેમ્બર 26, 2008

Posted by Mehul Shah in ગઝલ, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , ,
add a comment

waterfall_picture_sc162

ઝરણાં બનીને પહાડ

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા

-ભાગ્યેશ ઝા

તમે અહીંયા રહો તો મને સારું રહે ડિસેમ્બર 25, 2008

Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.
Tags: , , , , , , , ,
add a comment

Tree

તમે અહીંયા રહો તો

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

– ભાગ્યેશ ઝા

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો ડિસેમ્બર 24, 2008

Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, સુરેન ઠક્કર 'મેહુલ'.
Tags: , , , , ,
add a comment

lovebook

જગતમાં કોણ ભલા ખુશનસીબ

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા

મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

-સુરેન ઠક્કર ‘મેહુલ’

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે ડિસેમ્બર 23, 2008

Posted by Mehul Shah in આશીત દેસાઈ, બેફામ.
Tags: , , , , ,
add a comment
rose
મારા જખમ ને દર્દમાં
મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

– બરકત વિરાણી ‘બેફામ’