ઈશ્ક દુનિયામાં બદનામ છે January 25, 2009
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, તલત અઝીઝ, ભરત આચાર્ય'પ્યાસા'.Tags: ઈશ્ક, ઉપનામ, દુનિયા, પ્યાસા, બદનામ, ભરત આચાર્યા, સરગમ, હુસ્ન
add a comment

ઈશ્ક દુનિયામાં બદનામ છે![]()
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
શું છે ચાહત નથી જાણતા(૪)
બેવફા તેનું ઉપનામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
શાને સરગમ સૂરો છેડવા,(૪)
આ તો બહેરાઓનું કામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
-ભરત આચાર્યા’પ્યાસા’
તું અહીં ક્યાંય નથી January 25, 2009
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગીત, તલત અઝીઝ, સુરેન ઠક્કર 'મેહુલ'.Tags: આંખ, ઘટા, ઘર, ઝરમર, તલત અઝીઝ, તસલ્લી, દિલ, મેહુલ, રણઝણ, સુરેન ઠાકર, હવા, હૈયા
add a comment

તું અહીં ક્યાંય નથી![]()
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)
મારા઼ ઼઼઼ ની હવાઓય બધે સુની છે
અને સાવનની ઘટાઓય હાલ ભૂલી છે,
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
સૂની રણઝણ સૂની ઝરમર અહીં અટૂલી છે
નથી ખબર કે કેવી રીતે મન મનાવું છું,
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)
મારે હોળી ને દિવાળી બધું એક જ છે,
મારા હૈયાની દશા બારેમાસ એક જ છે,
નસીબ સ્વપ્ન થઈ મળે તો એનું શું કરવું,
કરીને આંખ બંધ, ઘર હજી સજાવુ છું
તું અહીં ક્યાંય નથી ક્યાંય નથી..જાણું છું,
મારા દિલને તસલ્લી તોય હજી આપું છું..(૨)
- સુરેન ઠાકર ‘મેહુલ’
જળ પ્રપાત હે વહો નિરંતર January 25, 2009
Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: અનરાધાર, જંતર, જળ, તંતર, ધોધમાર, પ્રપાત, મેઘધનુ, મૌન, વરાળ, વાદળ
add a comment

જળ પ્રપાત હે વહો નિરંતર![]()
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનંત યુગોથી અનંત રાગથી
ગીત ઊઠે તુજ મહા નિરંતર
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર ?
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું (૨)
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુ નું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
હાલો રે હાલો મેળે જઈએ January 25, 2009
Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: એકલતા, ધરતી, નજર, ભક્તિ, ભરતી, ભાગ્યેશ ઝા, મંદિર, મેળે, રાધા
add a comment

હાલો રે હાલો મેળે જઈએ![]()
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…
મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૮)
–ભાગ્યેશ ઝા
તમારા નયનનો ઈશારો મળે January 8, 2009
Posted by Mehul Shah in ગઝલ, ભરત આચાર્ય'પ્યાસા', સોલી કાપડિયા.Tags: ઈશારો, કિનારો, ચાહના, જિંદગી, નયન, નૌકા, પાનખર
add a comment

તમારા નયનનો ઈશારો મળે, તો આ જિંદગીને સહારો મળે (૨)
વમળમાં ફસાઈ છે નૌકા ભલે(૨), નથી ડૂબવું જો કિનારો મળે (૨)
તમારા નયનનો ઈશારો મળે.
ગઝલને નથી શબ્દની ચાહના (૨) મને જો તમારા વિચારો મળે(૨)
તમારા નયનનો ઈશારો મળે
હવે પાનખર છે બની જિંદગી, તમે સાથ આપો બહારો મળે(૨)
તમારા નયનનો ઈશારો મળે
-ભરત આચાર્ય’પ્યાસા’
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં January 4, 2009
Posted by Mehul Shah in ગઝલ, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: કુંપળ, કેણ, ગામ, નામ, મ્હેણું, રસ્તા, લંગર, વ્હાણ, વ્હેણ, સંબંધ
add a comment
આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે..ગામ વિનાનાં.
અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા January 3, 2009
Posted by Mehul Shah in ગીત, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: આકાશ, ખારી, ખોયો, ઘટના, ઢગલો, દરિયો, ભીનાશ, માછલી, યાદ, રેતી, વાણી, સ્પર્શ
add a comment

અમે દરિયો જોયોને![]()
અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા
અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યા
અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી
અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં
અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન
અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન
નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
-ભાગ્યેશ ઝા
બસ ઓ નિરાશ દિલ January 2, 2009
Posted by Mehul Shah in ગઝલ, મરીઝ, સોલી કાપડિયા.Tags: અછત, ચીજ, જગત, જમાનો, ઝાહિદ, દિલ, નિરાશ, બેહિસાબ, હિંમત
add a comment
સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.
એમાં જો કોઇ ભાગ ન લે મારી શી કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.
કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.
-મરીઝ
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે January 1, 2009
Posted by Mehul Shah in ગઝલ, રમેશ પારેખ, સોલી કાપડિયા.Tags: અફવા, ઘટના, ચહેરો, દરિયો, ધબકારો, નકશો, પાંપણ, મનસૂબા, શહેર, સપનાં
add a comment

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
-રમેશ પારેખ
