પ્રેમ એટલે કે December 31, 2008
Posted by Mehul Shah in ગીત, મુકુલ ચોક્સી, સોલી કાપડિયા.Tags: અલાયદો, ઓરડો, કાફલો, ઘર, ઝાકળ, મુશાયરો, મોસમ, લોહી, વાયદો, સ્વપ્ન
add a comment

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો…!
ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો…
હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી ને તે ય શ્યામવરણી.
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે
મને મૂકી આકાશને તું પરણી.
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
- મુકુલ ચોકસી
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ December 30, 2008
Posted by Mehul Shah in ગઝલ, ભગવતીકુમાર શર્મા, સોલી કાપડિયા.Tags: ઉઘાડ, ઉન્માદ, ઘેઘૂર, ઝરુખે, ટહુકે, વરસાદ, વાટ
1 comment so far

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, . એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો . તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ, . એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ, . એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ . એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ . એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
સાવ અચાનક મુશળધારે December 28, 2008
Posted by Mehul Shah in ગીત, તુષાર શુક્લા, સોલી કાપડિયા.Tags: અચાનક, દાવા, ધરા, ધોધમાર, પાગલ, પ્યાસ, મુશળધારે, મેઘ, મોસમ, વાદળ
add a comment
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
વાતને રસ્તે વળવું નથી December 27, 2008
Posted by Mehul Shah in ગીત, જગદીશ જોષી, સોલી કાપડિયા.Tags: અમથા, છાંયો, તડકો, બરફ, મારગ, વાત, હરફ
add a comment

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…
- જગદીશ જોશી
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ December 26, 2008
Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: ગુલાબ, સુગંધ, વેદના, લાગણી, આકાશ, ખાલીપો, ચોપાસ, વાયરા, જિંદગી, ખ્વાબો
add a comment

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……
-ભાગ્યેશ ઝા
ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા December 26, 2008
Posted by Mehul Shah in ગઝલ, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: ઝરણાં, ડાળ, પવન, પહાડ
add a comment

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા
પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા
આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા
સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા
-ભાગ્યેશ ઝા
તમે અહીંયા રહો તો મને સારું રહે December 25, 2008
Posted by Mehul Shah in ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા.Tags: આંસુ, ઉપવન, કારણ, જળ, પંખી, પગરવ, ફૂલ, વૃક્ષો, સોલી કાપડિયા
add a comment

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં
આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં
મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં
અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં
અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
- ભાગ્યેશ ઝા
જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો December 24, 2008
Posted by Mehul Shah in આશીત દેસાઈ, ગઝલ, સુરેન ઠક્કર 'મેહુલ'.Tags: કિતાબ, ગુલાબ, પ્રેમ, બુલંદ, સિતારા, સુરેન
add a comment
જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો
હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો
વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો
હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો
-સુરેન ઠક્કર ‘મેહુલ’
મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે December 23, 2008
Posted by Mehul Shah in આશીત દેસાઈ, બેફામ.Tags: કુદરત, ચાંદ, જખમ, દર્દ, પ્રણય, બેફામ
add a comment

કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે
કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે
મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે
બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે
- બરકત વિરાણી ‘બેફામ’


