ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના July 3, 2008
Posted by Mehul Shah in ગરબા, ગીત.2 comments
કવિ શ્રી મણિલાલ દેસાઇ
સ્વર: ફાલ્ગુની પાઠક
મને આ ગીતમાં વાગતા ઢોલનો તાલ બહું જ ગમ્યો,
ગરબાનાં સ્ટેપ્સ સારા લઈ શકાય..!
હું જાણું છું કે ગીત ના શબ્દો અને મૂળ રાગ નથી સચવાયો,
પણ સાંભળવું ગમે છે.. કદાચ તમને પણ..?
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

